વેપાર

ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં એક ટકાનો ઉછાળો

સ્થાનિક સોનામાં 1704નો અને ચાંદીમાં 4414નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વની ગત ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત અને આવતીકાલે નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં ભાવ અનુક્રમે 1.1 ટકા અને 3.1 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1697થી 1704નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4414નો ચમકારો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4414ના ઉછાળા સાથે રૂ. 1,58,120ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ હાજર સોનામાં પણ તેજીનો કરંટ જોવા મળ્યો હતો અને વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 1697 વધીને રૂ. 1,23,388 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1704 વધીને રૂ. 1,23,884ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં તેજીનું વલણ રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદક તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ડૉલરની મજબૂતી સાથે વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા વધીને આૈંસદીઠ 4112.50 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 4112.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 3.1 ટકા વધીને આૈંસદીઠ 52.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં આૈંસદીઠ 4000 ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટીએથી રિબાઉન્ડ જોવા મળ્યા બાદ આજે સાવચેતીના માનસ વચ્ચે પણ ભાવમાં ચમકારો જોવા મળ્યો હોવાનું એફએક્સટીએમના વિશ્લેષક લુકમાન ઑટુન્ગાએ જણાવતાં ઉમેર્યું હતું કે રોકાણકારો આજે મોડી સાંજે જાહેર થનારી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની અને આવતીકાલે જાહેર થનારા સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની રાહ જોઈ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં અર્થશાસ્ત્રીઓએ સપ્ટેમ્બર મહિનામાં નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં 50,000 રોજગારનો ઉમેરો થવાનો અંદાજ મૂક્યો હતો. તેમ જ રોજગારીના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ સોનાના ભાવ આૈંસદીઠ 4130થી 4200 ડૉલર આસપાસ જોવા મળે તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. તેમ છતાં જો ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવ્યા તો ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ અખત્યાર કરે તેવી શક્યતા પ્રબળ બનતાં સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 46 ટકા શક્યતા જોઈ રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button