ફેડરલ દ્વારા જૂનથી રેટ કટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
સ્થાનિકમાં સોનું રૂ. ૧૭૧૨ની તેજી સાથે રૂ. ૬૮,૦૦૦ની પાર, ચાંદીએ રૂ. ૭૫,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટા અપેક્ષાકૃત ૦.૩ ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજરમાં ભાવ ૧.૨ ટકાના ઉછાળા સાથે વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે વાયદાના ભાવમાં ૧.૮ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૯ ટકાની તેજી આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી આજે ફુગાવાના ડેટાની અસર બજાર પર આજે જોવા મળી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજાર પણ ગત શુક્રવારની ગુડ ફ્રાઈડેની રજા બાદ આજે ખુલતાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૦૫થી ૧૭૧૨ જેટલા વધી આવ્યા હતા અને રૂ. ૬૮,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૭૩ની તેજી સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૭૩ વધીને રૂ. ૭૫,૪૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. તે જ પ્રમાણે સોનામાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૦૫ વધીને રૂ. ૬૮,૬૮૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૧૨ વધીને રૂ. ૬૮,૯૬૪ના મથાળે રહ્યા હતા.
જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત નિરસ રહી હતી. જોકે, વધ્યા મથાળેથી જૂના સોનામાં વેચવાલી તથા રિસાઈકલિંગનું પ્રમાણ વધુ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૨૬૫.૪૯ની ટોચ સુધી પહોંચ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ગત ગુરુવારના બંધ સામે ૧.૨ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૨૫૮.૧૨ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૮ ટકા વધીને આ૨૨૭૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૧૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also Read:
https://bombaysamachar.com/business/a-bullish-undertone-in-global-gold-ahead-of-us-pci-data-release/
અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટામાં સાધારણ ૦.૩ ટકાની વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે સોનામાં ઝડપી તેજી જોવા મળી હોવાનું આઈજી માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં અમેરિકા ખાતે ફુગાવો બે વર્ષની નીચી સપાટીએ રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વહેલી તકે વ્યાજ કપાતની શરૂઆત કરે તેવી શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ ફુગાવાની જાહેરાત પશ્ચાત્ ણાવ્યું હતું કે ફેબ્રુઆરીનો ફુગાવો અમારી અપેક્ષિત સપાટીએ રહ્યો હોવાથી જૂનથી વ્યાજદરમાં કાપ મૂકી શકાય તેમ છે. આમ તેમનાં પ્રોત્સાહક નિવેદનને પગલે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૬૯ ટકા બજાર વર્તુળો જૂનથી વ્યાજમાં કાપ મૂકાય તેવી ધારણા મૂકી રહ્યા છે, જ્યારે અગાઉ ૬૪ ટકા શક્યતા દર્શાવાઈ રહી હતી.