ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયે પહોંચતા વૈશ્વિક સોનામાં આગેકૂચ
સ્થાનિકમાં સોનું રૂ. 996 ઉછળીને ફરી રૂ. 96,000ની પાર, ચાંદી રૂ. 415 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ટૅરિફના અમલની નવમી તારીખ નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ ટૅરિફનો અમલ કરશે કે પછી ફરી મુદત લંબાવવામાં આવશે તેની અવઢવ ઉપરાંત ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને લગભગ ત્રણ વર્ષની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.7 ટકા જેટલા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 992થી 996 ઉછળીને ફરી રૂ. 96,000ની સપાટી કુદાવી ગયા હતા. તેમ જ ચાંદીમાં કિલોદીઠ રૂ. 415નો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 992 વધીને રૂ. 96,494 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 996 વધીને 96,882ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટલે સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 415 વધીને રૂ. 1,05,925ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં એક મહિનાની નીચી સપાટીએથી બાઉન્સબૅક
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 3325.79 ડૉલર અને વાયદામાં ભાવ 0.9 ટકા વધીને 3337.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 36.07 ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ટ્રમ્પની ટૅરિફની મુદત લંબાવવામાં ન આવી હોવાથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એબીસી રિફાઈન્રીનાં ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટનાં ગ્લોબલ હેડ નિકોલસ ફ્રેપલે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકા-જાપાન વચ્ચેની વેપાર વાટાઘાટો અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસન્ટે વેપારી ભાગીદાર દેશોને ઊંચા ટૅરિફની સૂચના આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: અમેરિકાની ટોચની સંસ્થા જીઆઇએનો જ્વેલરી ગ્રેડિંગમાં પ્રવેશ
ગત બીજી એપ્રિલે ટ્રમ્પે 10થી 50 ટકા સુધીનાં ટૅરિફના દર નવમી જુલાઈથી અમલી થવાની જાહેરાત કરવામાં આવી હતી અને વેપારી ભાગીદાર દેશોને વેપાર કરાર કરવા માટે 90 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો. વધુમાં ગઈકાલે ટ્રમ્પે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલને એક નોટ્સ લખી વ્યાજદરમાં કાપ મૂકવા અનુરોધ કર્યો હતો અને જાપાન તથા ડેન્કમાર્કના વ્યાજદર અનુક્રમે 0.5 ટકા અને 1.75 ટકાના સ્તરે હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આમ વ્યાજદરમાં કાપ મૂકવાની ટ્રમ્પની હાકલને ધ્યાનમાં લેતા સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું ફ્રેપલે જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાનાં રોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.