પૉવૅલનાં વ્યાજદરમાં કપાતનાં સંકેતઃ વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચેથી પાછું ફર્યું…
સ્થાનિકમાં શુદ્ધ સોનાએ રૂ. 987ની તેજી સાથે ફરી રૂ. એક લાખની સપાટી કુદાવી, ચાંદી રૂ. 2627 ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાતના સંકેતો આપતા ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી અથવા તો ગત 11મી ઑગસ્ટ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વધુ 0.3 ટકાની તેજી આગળ ધપી હતી. આમ ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 983થી 987નો ઉછાળો આવ્યો હતો.
જેમાં શુદ્ધ અથવા તો 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાએ ફરી રૂ. એક લાખની સપાટી કુદાવી હતી. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવ વધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 2627ના ચમકારા સાથે રૂ. 1.16 લાખની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ખાસ કરીને વૈશ્વિક ચાંદીના ભાવ આૈંસદીઠ 39 ડૉલરની લગોલગ પહોંચ્યાના નિર્દેશો સાથે સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2627ના ચમકારા સાથે રૂ. 1,16,533ના મથાળે રહ્યા હતા.
વધુમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 983 વધીને રૂ. 99,943 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 987 વધીને રૂ. 1,00,345ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં ઉછાળો આવી ગયો હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગત શુક્રવારે ન્યૂયોર્ક ખાતે સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ જે ગત શુક્રવાર ચાર સપ્તાહના તળિયે પહોંચ્યો હતો તેમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 3367.86 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 3412.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, આજે હાજરમાં ચાંદીના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 38.94 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.એકંદરે ગત શુક્રવારનાં જૅરૉમ પૉવૅલના વ્યાજદરમાં કપાતના સંકેતો મળતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ સાથે સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું.
તેમ જ હાલની સપાટીને ધ્યાનમાં લેતા આૈંસદીઠ 3350 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં સિટી ઈન્ડેક્સનાં વિશ્લેષક મેટ્ટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે જો આગામી દિવસોમાં પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા હળવા આવે અને રોજગારીના ડેટા નબળા આવે તો સોનાની તેજીને ટેકો મળી શકે. જોકે, ટ્રમ્પની ટૅરિફની નીતિને ધ્યાનમાં લેતા ફુગાવામાં વધારો થવાની શક્યતા વધુ હોવાથી સોનામાં સુધારો મર્યાદિત જોવા મળે તેવી શક્યતા વધુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.