રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૧૫૮નો અને ચાંદીમાં રૂ. ૮૭નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૭થી ૧૫૮નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૭ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૮૭ના સાધારણ સુધારા સાથે રૂ. ૯૦,૮૧૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડ્યો હોવાથી ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૭ વધીને રૂ. ૭૫,૧૦૪ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૫૮ વધીને રૂ. ૭૫,૪૦૬ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાત તેમ જ આવતીકાલના ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે હાજરમાં સોનાના ભાવ સાધારણ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૬૬.૩૭ ડૉલર અને વાયદામાં ભાવ સાધારણ ૦.૨૮ ટકા વધીને ૨૬૯૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૩ ટકા વધીને ઔંસદીઠ ૩૨.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં આજે સોનાના ભાવ મક્કમ વલણ સાથે અથડાઈ રહ્યા છે. વધુમાં રોકાણકારોની નજર અમેરિકાના બીજા ત્રિમાસિકગાળાના જીડીપીના સુધારીત ડેટા અને પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત તથા ફેડરલના અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોનામા તેજી થાક ખાઈ રહી હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.