ફેડરલનાં ઊંચા રેટ કટને પગલે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૨૦ની અને ચાંદીમાં રૂ. ૧૯૪ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટના રેટ કટ સાથે નાણાનીતિ હળવી કરવાની શરૂઆત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૧.૨ ટકાની તેજી સાથે વિક્રમ સપાટીની નજીક પ્રવર્તી રહ્યા હતા અને ચાંદીના ભાવ ૩.૫૦ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૯થી ૨૨૦ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની તુલનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૯૪ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી છૂટીછવાઈ રહી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૯ વધીને રૂ. ૭૩,૪૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૦ વધીને રૂ. ૭૩,૭૦૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હોવાથી અને ઔદ્યોગિક વપરાશકારોની તથા જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૯૪ના સાધારણ સુધારા સાથે રૂ. ૮૮,૬૧૨ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨ ટકા વધીને ગત બુધવારના ઔંસદીઠ ૨૫૯૯.૯૨ ડૉલરની સપાટીની લગોલગ ૨૫૯૦.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૬૧૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૩.૫૦ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો : સ્થાનિક સોનામાં ₹ ૨૨૮નો સુધારો, ચાંદી ₹ ૧૦૧૨ ચમકી
ફેડરલના નીતિ ઘડવૈયાઓએ શેષ વર્ષ ૨૦૨૪માં વધુ ૫૦ બેસિસ પૉઈન્ટનો, વર્ષ ૨૦૨૫માં ૧૦૦ બેસિસ પૉઈન્ટનો અને વર્ષ ૨૦૨૬માં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાનો અંદાજ મૂકી રહ્યા છે. આમ મોટી માત્રામાં રેટ કટને કારણે આગામી સમયગાળામાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનાની તેજીને ટેકો મળતો રહેશે, એમ એલિગીઅન્સ ગોલ્ડનાં ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબકેરિને જણાવતા ઉમેર્યું હતું કે રાજકીય-ભૌગોલિક તણાવ અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ટેકે સોનામાં ઝડપી તેજીની શક્યતા નકારી ન શકાય.
વધુમાં યુબીએસનાં વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા અપનાવાઈ રહેલી હળવી નાણાનીતિ, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી, આર્થિક અનિશ્ર્ચિતતા તથા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૫ના મધ્ય સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૭૦૦ ડૉલર સુધી પહોંચે તેવો અમે લક્ષ્યાંક રાખ્યો છે.