વેપાર

ભવિષ્યમાં ફેડરલના અપેક્ષિત વલણને ધ્યાનમાં રાખી તેજી-મંદી વચ્ચે ઝોલા ખાતું સોનું

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મૂકાઈ રહી છે, પરંતુ આગામી વર્ષ ૨૦૨૪માં પુન: ફુગાવાને અંકુશમાં લેવાલ માટે વ્યાજદરમાં વધારો કરીને આક્રમક અભિગમ અપનાવશે કે પછી હળવો અભિગમ અપનાવશે તેની અવઢવ વચ્ચે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવ તેજી-મંદી વચ્ચે ઝોલા ખાતા રહ્યા હતા. સપ્તાહના આરંભે ભાવ એક તબક્કે ઔંસદીઠ ૨૦૦૭ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ૨૦૦૦ ડૉલરની અંદર પણ ઉતરી ગયા હતા. જોકે, સપ્તાહના અંતે ફરી ડૉલર નબળો પડતાં ભાવ ૨૦૦૦ ડૉલરની સપાટી ફરી પાર કરી ગયા હતા અને સાપ્તાહિક ધોરણે એક ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો.
વૈશ્ર્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૭ નવેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧૧,૭૦ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૬૧,૦૦૧ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ૬૦,૮૮૮ અને ઉપરમાં રૂ. ૬૧,૧૧૬ સુધી પહોંચ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે ૦.૪૪ ટકા અથવા તો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૭ વધીને રૂ. ૬૧,૪૩૭ના મથાળે રહ્યા હતા. એકંદરે દિવાળીના તહેવારો પશ્ર્ચાત્ લગ્નસરાની માગની રોનક જળવાઈ રહેશે, એવું બજાર વર્તુળોનું માનવું હતું, પરંતુ લગ્નસરાની મોસમના ટાંકણે જ ભાવમાં તેજીનું વલણ જોવા મળતાં અપેક્ષિત માગ પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એકંદરે ગત સપ્તાહે જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની માગ નિરસ રહેવાને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ છ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ત્રણ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ગત સપ્તાહે ઊંચા મથાળેથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. તેમ જ રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત સપ્તાહે ચીન ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૦થી ૪૦ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે પ્રીમિયમ ૪૩થી ૫૮ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા. વધુમાં સિંગાપોર ખાતે આગામી ડિસેમ્બર મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી કામકાજો પાંખાં રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે જાહેર થયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં વ્યાજદર વધારાની સાઈકલનો અંત લાવવા માટે તમામ નીતિઘડવૈયાઓ સહમત થયા હોવાનું જાણવા મળતાં સતત બીજા સપ્તાહમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળવાની સાથે વર્ષ ૨૦૨૪માં ફેડરલ વ્યાજદરમાં કપાતની શરૂઆત કરશે એવો આશાવાદ જાગ્યો હતો અને હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૦૦૭ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, અમેરિકા ખાતે ગત સપ્તાહે જાહેર થયેલા આગલા સપ્તાહના બેરોજગારી ભથ્થું મેળવનારાઓની અરજીની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી વ્યાજદર કપાતની આશા ફરી ધૂંધળી બનતાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર ઊતરી ગયા હતા. તેમ છતાં સપ્તાહના અંતે ડૉલર નબળો પડતાં પુન: સોનાના ભાવે ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી અંકે કરી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હજુ અમેરિકી શ્રમ બજાર મંદ પડી રહી હોવાથી ફેડરલ રિઝર્વ સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલના આધારે ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી ૨૬ ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમારા મતાનુસાર આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૯૯ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, આ સપાટી કુદાવતા ભાવ વધીને ૨૦૦૯થી ૨૦૧૬ ડૉલર આસપાસની રેન્જમાં રહેશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૦૦૦થી ૬૨,૦૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૦૧.૯૭ ડૉલર અને ૨૦૦૩ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે સપ્તાહ દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. એકંદરે નબળા આર્થિક ડેટાઓને કારણે ડૉલર ઈન્ડેક્સ નબળો પડી રહ્યો હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવીને આગામી મે, ૨૦૨૪થી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદને કારણે સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું શિકાગો સ્થિત બ્લ્યુ લાઈન ફ્યુચર્સનાં ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ફિલિર સ્ટ્રીબલે જણાવ્યું હતું, જ્યારે કોમર્ઝ બૅન્કે એક નૉટ્સમાં જણાવ્યું હતું કે તાજેતરના અમેરિકાના આર્થિક આંકડાઓ નિરાશાજનક છે અને અમારા મતે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના મધ્યથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી દિવસોમાં જાહેર થનારા અમેરિકાના આર્થિક આંકડાઓ ઉપરાંત આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર રહે તેમ હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહે એવું બજાર વર્તુળોનું
માનવું છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button