Goldમાં ઉછાળો ઉભરા જેવો નિવડ્યો, ₹318નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠક અને અમેરિકાના જીડીપીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો અને વાયદામાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૬થી ૩૧૮નો અને ચાંદીના ભાવમાં રૂ. ૫૩નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૬ ઘટીને રૂ. ૬૨,૦૨૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૧૮ ઘટીને રૂ. ૬૨,૨૭૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૩ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૭૧,૦૧૯ના મથાળે રહ્યા હતા.
ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં વેપાર પ્રવૃત્તિમાં વધારાની સાથે ફુગાવો પણ અંકુશમાં રહેતા વર્ષ ૨૦૨૪માં અમેરિકી અર્થતંત્ર મજબૂત રહેવાના આશાવાદ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૧ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૦૧૪.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકાના ઘટાડા સાથે ૨૦૧૪.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૭૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર રોકાણકારોની મીટ હોવાથી આજે લંડન ખાતે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, બજાર વર્તુળો આગામી માર્ચ મહિનાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરે તેવી ૪૩ ટકા અને મે મહિનાથી વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરે તેવી ૮૮ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.