વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૫૧નો ઘસરકો, ચાંદીમાં રૂ. ૪૧નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલામાં વહેલા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતાં સોનામાં વૈશ્ર્વિક ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સોનાચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ રૂંધાઈ જતાં ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૧ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી લેવાલી અટકી હતી, જ્યારે ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૧ના ધીમા સુધારા સાથે રૂ. ૮૬,૨૭૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં વધ્યા મથાળથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૦૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૩૮૭ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ફેડરલનાં રેટકટના આશાવાદ વચ્ચે સોનામાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો અને હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૮૪.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને ભાવ એક મહિનાની ટોચ આસપાસ પ્રવર્તી રહ્યા છે. વધુમાં આજે વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૩૮૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા બાદ આજે વધુ ૦.૨ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૯.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરનાં અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાતને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ અને રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું આઈજી માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડી એ ફેડરલ માટે સારા સંકેત હોવા છતાં હજુ નીતિ ઘડવૈયાઓએ વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે એની સ્પષ્ટતા નથી કરી, પરંતુ રોકાણકારો માને છે કે વર્ષ ૨૦૨૪માં રેટ કટની શરૂઆત થશે.
સામાન્યપણે સોના અને ડૉલરનાં ભાવ વચ્ચે ઐતિહાસિક સંબંધ હોય છે. ડૉલર નબળો પડતાં સોનામાં સુધારો અને મજબૂત થતાં ઘટાડો જોવા મળતો હોય છે. આથી આગામી મહિનાઓમાં આ સંબંધો પુન: સ્થાપિત થતાં સોનાના ભાવમાં ઘટાડો આવે તેવી શક્યતા કોમનવેલ્થ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ એક નોટ્સમાં જણાવ્યું હતું. જોકે ગ્લોબલ મેક્રોનાં ટેક્નિકલ એનાલિસ્ટનાં મતાનુસાર જો સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૩૧.૨૯ ડૉલરની ઐતિહાસિક સપાટી તોડે તો ભાવ વધીને ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.