વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૪૮નો સુધારો અને ચાંદીમાં ₹ ૨૨૧નો ઘટાડો

અમેરિકાની ચૂંટણી અને ફેડરલની બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનું મક્કમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.

જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭થી ૪૮નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૨૧ ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૨૧ના ઘટાડા સાથે રૂ. ૯૪,૨૬૧ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં વૈશ્ર્વિક સ્તરે ભાવમાં મક્ક્મ વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭ વધીને રૂ. ૭૮,૨૫૧ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૮ વધીને રૂ. ૭૮,૫૬૬ના મથાળે રહ્યા હતા. જોકે, દિવાળીના તહેવારો પશ્ર્ચાત્ ખાસ કરીને રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધધટે અથડાઈને ઔંસદીઠ ૨૭૩૯.૭૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.

જ્યારે વાયદામાં ભાવ સાધારણ ૦.૧ ટકા વધીને ૨૭૪૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૭૯૦.૧૫ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૩૨.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે અને આજે ચૂંટણીમાં મતદાનના અંતિમ તક્ક્કા પર તેમ જ આવતીકાલથી અમેરિકી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસીય બેઠક પર રોકાણકારોની નજર હોવાથી હાલ સોનામાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી ભાવ સાંકડી વધઘટે અથડાઈ રહ્યા હોવાનું મારેક્સનાં વિશ્ર્લેષક ઍડવર્ડ મેઈરે જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકાની ચૂંટણીમાં બન્ને પક્ષના ઉમેદવાર પૈકી કોઈએ પણ ખર્ચમાં કાપ મૂકવાની તરફેણ નથી કરી આથી કોઈપણ પક્ષ જીતે સોનાની તેજીને ટેકો મળતો રહેશે અને વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી અમારી ધારણા છે.

વધુમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી ધારણા મૂકાઈ રહી છે, પરંતુ રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ તેમના વક્તવ્યમાં ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગેના કોઈ અણસારો આપે છે કે કેમ તેના પરં મંડાઈ છે. જોકે, વ્યાજદરમાં અપેક્ષાનુસાર ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવશે તો સોનાના ભાવ પર તેની ખાસ અસર જોવા નહીં મળે, એમ આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button