સોનામાં ₹ ૧૩૫નો સુધારો, ચાંદીમાં ₹ ૪૮૪નું બાઉન્સબૅક
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠક અને મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાધારણ ઘટાડો અને વાયદામાં ધીમો સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪થી ૧૩૫નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૮૪નું બાઉન્સબૅક જોવા મળ્યું છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગઈકાલે કિલોદીઠ રૂ. ૧૨૨૦નું ગાબડું પડ્યા બાદ આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૮૪ના બાઉન્સબૅક સાથે રૂ. ૮૮,૧૯૨ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહી હતી. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ છતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪ના સુધારા સાથે રૂ. ૭૧,૨૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૫ના સુધારા સાથે રૂ. ૭૧,૫૮૦ના મથાળે રહ્યા હતા.
આજે મોડી સાંજે અમેરિકાના મે મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટાની જાહેરાત થનાર હોવાથી તેમ જ ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે તેનો અણસાર આપે છે કે કેમ તેના પર રોકાણકારોની નજર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૩.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩૦ ટકા વધીને ૨૩૧૦.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૪ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત મે મહિનામાં અમેરિકામાં ફુગાવો લગભગ સ્થગિત રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યાં છે અને જો ફુગાવો સ્થગિત રહે અથવા તો વધારો જોવા મળશે તો ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.