વેપાર

પાંખાં કામકાજ વચ્ચે સોનામાં ₹ ૭૫નો સુધારો, ચાંદીમાં ₹ ૭૪ની પીછેહઠ

મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૨૦૪૮.૧૨ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે અમેરિકી ફેડરસ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ હતું અને વાયદામાં ધીમો સુધારો આવ્યો હતો તથા ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે આજે વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૭૪ ઘટી આવ્યા હતા. આજે લંડન ખાતે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ હોવાથી સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૪ ઘટીને રૂ. ૭૧,૬૬૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવ વધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫ સુધી મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે રૂ. ૬૨,૪૩૪ અને રૂ. ૬૨,૬૮૫ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૦૩૬.૮૮ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૦૩૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૦૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ મહિનામાં અત્યાર સુધીમાં વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવમાં ૧.૩ ટકાનો અને ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એકંદરે આજની બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાતની શરૂઆત ક્યારથી કરશે તેનો અણસાર આપે છે કે કેમ તેના પર સ્થિર થઈ છે. જોકે, એક મહિના અગાઉ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાસની શક્યતા જે ૯૦ ટકા રાખવામાં આવી રહી હતી તેની સામે હવે બજાર વર્તુળો માત્ર ૪૦ ટકા શક્યતા રાખી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button