સોનામાં ₹ ૧૯૩નો સુધારો, ચાંદી ₹ ૧૩૮૦ તૂટી
મુંબઈ: ગત મે મહિનામાં અમેરિકાની ફેક્ટરી એક્ટિવિટીમાં સતત બીજા મહિને ઘટાડો થયો હોવાનાં અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આ વર્ષનાં અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં સુધારા-તરફી વલણ રહ્યું હતું. આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૮૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ગબડી ગયો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨થી ૧૯૩નો સુધારો આવ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ગઈકાલના સુધારા બાદ ભાવ ગઈકાલના બંધ સામે ૨.૭૪ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૮૦ તૂટીને રૂ. ૮૮,૮૩૭ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨ વધીને રૂ. ૭૧,૬૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૯૩ વધીને રૂ. ૭૧,૯૬૯ના મથાળે રહ્યા હતા. અમેરિકામાં ગત મે મહિનામાં સતત બીજા મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડો થયો હોવાના તેમ જ બાંધકામ પ્રવૃત્તિમાં પણ સતત બીજા મહિનામાં અનપેક્ષિતપણે ઘટાડો જોવા મળ્યો હોવાનાં ગઈકાલના અહેવાલને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આ વર્ષનાં અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા સપાટી પર આવતા ગઈકાલે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં સોના-ચાંદીના ભાવમાં ચમકારો આવ્યો હતો.