સોનામાં ₹ ૧૨૪નો સુધારો, ચાંદી ₹ ૧૫૬ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ જાળવી રાખતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો અને ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૫૬નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪ વધી આવ્યા હતા. જોકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં આજે સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫૬ ઘટીને રૂ. ૮૮,૫૧૫ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૪૫૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૭૩૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આગામી ગુરુવારે અમેરિકાનાં વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટાના અંદાજની જાહેરાત અને શુક્રવારે મે મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપિન્ડિચર ઈન્ડેક્સની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ જાળવી રાખતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩૩૫.૩૦ ડૉલર તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સામાન્યપણે ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગેનો નિર્ણય ફુગાવના ડેટાને ધ્યાનમાં રાખીને લેતી હોય છે અને જો આગામી શુક્રવારે જો ફુગાવાના ડેટા મજબૂત આવ્યા તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં એનાલિસ્ટ કેલ્વિન વૉંગે જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલીએ જણાવ્યું હતું કે મારું માનવું છે કે જ્યાં સુધી ફુગાવો બે ટકાનાં લક્ષ્યાંક તરફ જઈ રહ્યો છે તેવો ફેડરલને વિશ્ર્વાસ નહીં થાય ત્યાં સુધી ફેડરલનાં નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય નહીં લે.