વેપાર

સોનામાં ₹ ૧૦૦નો સુધારો, ચાંદીમાં ₹ ૩૭૭ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગત જૂન મહિનાનો ફુગાવો બજારની અપેક્ષા કરતાં નીચી સપાટીએ રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાત અંગેનાં વિશ્ર્વાસમાં વધારો થવાના આશાવાદ સાથે ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઘટી આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના હાજર અને વાયદાના ભાવમાં એક તબક્કે અનુક્રમે ૧.૮૨ ટકા અને ૧.૭૭ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનાં દબાણ સાથે ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭૭નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦થી ૧૦૧ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૭૭ના ઘટાડા સાથે રૂ. ૯૧,૮૨૭ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦ વધીને રૂ. ૭૨,૩૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૧ વધીને રૂ. ૭૨,૬૬૪ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની સોનામાં લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. અમેરિકાનો જૂન મહિનાનો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ બજારની અપેક્ષિત કરતાં નીચી સપાટીએ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ૧.૮૨ ટકા ઉછળીને ૨૪૧૪.૨૭ ડૉલર અને ૧.૭૭ ટકા વધીને ૨૪૧૪.૧૦ ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીનાં દબાણ વચ્ચે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૦૦.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૦૪ ટકા ઘટીને ૨૪૧૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૩૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૩૦.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ફુગાવાનાં ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં જોવા મળેલી નરમાઈનો લાભ સોનાનો મળ્યો હોવાથી તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે સીએમઈ ફેડ વૉચ પર ટ્રેડરો આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપર મૂકે તેવી જે અગાઉ ૬૪ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી તેની સામે હવે ૮૨ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button