સોનામાં ₹ ૧૭નો સુધારો અને ચાંદીમાં ₹ ૩૦૭નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી કામકાજો પાંખાં રહ્યા હતા. અને સોનાચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ધીમા સુધારાતરફી રહ્યાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી નવ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો સિમિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦૭નો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની નિરસ માગ રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૬૯૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૯૮૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦૭ના ઘટાડા સાથે રૂ. ૮૮,૫૩૦ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનાં સાવચેતીના અભિગમ વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૨૬ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૩૩૩.૮૨ ડૉલર અને ૨૩૩૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૨ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હાલમાં રોકાણકારોની નજર સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાનાં રોજગારીના નોન ફાર્મ પૅરૉલ ડેટા, ખાનગી ક્ષેત્રનાં રોજગારીના ડેટા તથા ગત મે મહિનાના સર્વિસીસ ક્ષેત્રના પીએમઆઈ ડેટા પર સ્થિર થઈ હોવાથી રોકાણકારો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવી રહ્યા હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. જોકે, આજે અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બૅન્ક યુબીએસએ વર્ષ ૨૦૨૪માં સોનાના વૈશ્ર્વિક ભાવ સરેરાશ ૨૩૬૫ ડૉલર આસપાસ રહેવાની સાથે વર્ષના અંત સુધીમાં ભાવ ૨૬૦૦ ડૉલરની સપાટી આસપાસ રહે તેવો સુધારિત અંદાજ મૂક્યો છે. વધુમાં આગામી બે વર્ષમાં ભાવ વધીને ઔંસદીઠ ૨૮૦૦ ડૉલરની સપાટીએ પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.