કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૦૦ દિવસમાં ઈક્વિટી કરતા સોનામાં વધુ વળતર
મુંબઈ: શેરબજારમાં પાછલા નાણાકીય વર્ષમાં મળેલા ૨૫થી ૩૦ ટકાના વળતર સામે સોનાએ માંડ ૧૪ ટકા અને ચાંદીે તો ચારેક ટકાનું વળતર આપ્યું છે. જોકે કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૦૦ દિવસમાં રોકાણકારોને ઈક્વિટી કરતા સોનામાં વધુ વળતર આપ્યું છે અને ઇઝરાયલ-ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ તથા ફેડરલ દ્વારા વ્યાજ દરમાં સૂચિત ઘટાડાથી સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે.
વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૦૦ દિવસની વાત કરીએ દેશમાં પરંપરાગત એસેટ કલાસમાં ઈક્વિટીઝની સરખામણીએ સોનામાં રોકાણકારોને નોંધપાત્ર ઊંચુ વળતર પ્રાપ્ત થયું છે. વર્તમાન વર્ષના પ્રથમ ૧૦૦ દિવસમાં સેન્સેકસ પર ચાર ટકા જેટલું વળતર છૂટયું છે. જ્યારે સોના પર રોકાણકારોને ૧૪ ટકા જેટલું વળતર છૂટયાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના પ્રથમ ૧૦૦ દિવસમાં એમસીએક પર સોનાના ભાવમાં દસ ગ્રામ દીઠ રૂપિયા ૮૧૦૦ જેટલો વધારો થયો છે, જ્યારે સેન્સેકસ ૭૫૧૨૪ નવી ઓલટાઈમ હાઈ સાથે ૨૮૮૪ પોઈન્ટ જેટલો વધ્યો છે.
એસેટ કલાસીસમાં સેફ હેવન તરીકે ગણાતા ગોલ્ડમાં ભૌગોલિક રાજકીય તાણને કારણે વૈશ્ર્વિક સ્તરે નવી ઊંચી સપાટી જોવા મળી છે, જેને પરિણામે ઘરઆંગણે પણ નવા ઊંચા ભાવ જોવા મળ્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન-ઈઝરાયલ તાણ તથા ઈઝરાયલ-પેલેસ્ટાઈન કટોકટીને કારણે સોનામાં સેફ હેવન ખરીદીથી ભાવ ઊંચકાયા છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી ધારણાએ પણ સોનાના ભાવને ટેકો આપ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫માં ઈક્વિટીઝ કરતા ગોલ્ડ પરના રોકાણ પર સારું વળતર મળી રહેશે તેવી એક વિશ્ર્લેષકે ધારણા વ્યકત કરી હતી.