સોનામાં તેજી વેગીલી બનતાં માગ નિરસ, વૈશ્ર્વિક ભાવની તુલનામાં ડિસ્કાઉન્ટ વધીને ઔંસદીઠ નવ ડૉલર

આ વર્ષના અંત સુધી સોનામાં સાન્તાક્લોઝ રેલી જળવાઈ રહેવાનો આશાવાદ
કોમોડિટી -રમેશ ગોહિલ
ગત સપ્તાહે અમેરિકાના જાહેર થયેલા આર્થિક આંકડાઓ તેમ જ ફેડરલ રિઝર્વના અમુક અધિકારીઓ દ્વારા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાનો અંત આવ્યો હોવાના અણસારો આપ્યા હોવાથી તેમ જ સપ્તાહના અંતે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિ તંગ અને હળવી નાણાનીતિના જોખમોથી સમતુલિત અને નિયંત્રાત્મક ઝોનમાં છે. આમ જૅરૉમ પૉવૅલના વક્તવ્યને કારણે ટ્રેડરોમાં વ્યાજદરમાં કપાત અપેક્ષા કરતાં વહેલી શરૂઆત થવા અંગે વિશ્ર્વાસ વધતાં સોનામાં આ વર્ષના અંત સુધી સાન્તાક્લોઝ રેલી જળવાઈ રહેવાનો આશાવાદ નિર્માણ થયો હતો. વૈશ્ર્વિક સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે તેજી વેગીલી બનવાની સાથે વિશ્ર્વ બજારના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં ઝડપી ઉછાળા આવતા દિવાળીના તહેવારો પશ્ર્ચાત્ માગ નિરસ થઈ ગઈ હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૫ નવેમ્બર, ૨૦૨૩નાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૪૩૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. ૬૧,૮૯૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૬૧,૮૯૫ની સપાટીએ અને ઉપરમાં રૂ. ૬૨,૭૭૫ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯૧ અથવા તો ૨.૧૦ ટકાના ઉછાળા સાથે રૂ. ૬૨,૭૨૮ના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે ગયા મહિને દિવાળીના તહેવારો બાદ માગ સારી રહી હતી, પરંતુ ત્યાર બાદ ભાવમાં એકતરફી આગેકૂચ રહેવાને કારણે માગ સ્થગિત થઈ ગઈ હોવાનું નવી દિલ્હી સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. તે જ પ્રમાણે મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે ભાવમાં તેજીનો પવન ફૂંકાઈ જવાથી ખરીદદારોમાં હજુ ભાવ વધશે કે ઘટશે એવી મૂંઝવણમાં મૂકાઈ ગયા હોવાથી લગ્નસરાની મોસમ હોવા છતાં માગ રૂંધાઈ જતાં હાલ સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ નવ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ડિસ્કાઉન્ટ છ ડૉલર આસપાસ ક્વૉટ કરી રહ્યા હતા.
જોકે, સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે ભાવમાં વધારો થયો હોવા છતાં નવા આયાત ક્વૉટાનો અભાવ, ફેડરલ રિઝર્વનાં વ્યાજદર સ્થગિત રાખવાના અને વ્યાજદરમાં કપાતની અપેક્ષા, રાજકીય-ભૌગોલિક તણાવમાં થઈ રહેલા વધારા જેવા કારણોસર ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૫થી ૩૫ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું. અમેરિકામાં ફુગાવામાં ઘટાડા સાથે વ્યાદરમાં કપાતનો આશાવાદ પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાથી સાપ્તાહિક ધોરણે સતત ત્રીજા સપ્તાહમાં વૈશ્ર્વિક સોનામાં ભાવમાં તેજી આગળ ધપતાં ગત સપ્તાહે અંદાજે ૩.૪ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં અઢી વર્ષની સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વના બે અધિકારીઓએ વ્યાજદરમાં કપાતના અણસારો આપ્યા હતા. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી મે, ૨૦૨૫ મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૮૦ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેમ જ માર્ચ મહિનામાં પણ કપાતનો આશાવાદ સેવાઈ રહ્યો છે. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની મલેવાલી રહેતી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત નવેમ્બર મહિનામાં સોનાની તેજીને ડૉલર ઈન્ડેક્સમાં નબળો દેખાવ અને ટ્રેઝરીની યિલ્ડમાં જોવા મળેલા ઘટાડાનો ટેકો મળવા ઉપરાંત ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં ચાર દિવસનાં યુદ્ધ વિરામ બાદ પુન: યુદ્ધ શરૂ થતાં સોનાની તેજીને વધુ એક પ્રેરક બળ મળ્યું છે. આમ એકંદરે વર્તમાન વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાનમાં લેતાં વર્તમાન સપ્તાહે સોનામાં નફારૂપી વેચવાલીના આંચકાઓ પચાવીને ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરતાં તેમણે કૉમૅક્સ ખાતે સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૦૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૦૯૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થવાની ધારણા મૂકી છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનાલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૫૦૦થી ૬૩,૪૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી ધારણા વ્યક્ત કરી છે.
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય બાદ આગામી માર્ચ, ૨૦૨૪થી વ્યાજદરમાં કાપ મૂકે તેવી બજાર વર્તુળો અટકળો મૂકી રહ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે હાજરમાં સોનાના ભાવ ૧.૬ ટકા ઊછળીને અગાઉના વર્ષ ૨૦૨૦નાં ઔંસદીઠ ૨૦૭૨.૪૯ ડૉલરની સર્વોચ્ચ સપાટીની લગોલગ ઔંસદીઠ ૨૦૬૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૦૭૫.૦૯ ડૉલર સુધી પણ પહોંચ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ ૧.૬ ટકા વધીને ૨૦૮૯.૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલની સ્થિતિ તંગ અને હળવી નાણાનીતિના જોખમોથી સમતુલિત અને નિયંત્રાત્મક ઝોનમાં છે. આમ જૅરૉમ પૉવૅલના વક્તવ્યને કારણે સોનામાં તેજીના ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા અને તેઓએ ફેડરલ રિઝર્વના અધ્યક્ષે વ્યાજદરમાં કપાત અંગે અણસારો આપવાનું વહેલાસરનું ગણાશે એવા નિવેદનની પણ અવગણના કરી હોવાનું ન્યૂ યોર્ક સ્થિત એક મેટલ ટ્રેડરે જણાવ્યું હતું. વધુમાં અમુક વિશ્ર્લેષકોનું માનવું છે કે હાલ સોનામાં ઓવરબોટ પોઝિશન હોવાથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે તેમ છતાં ગેઈન્સેવિલે કોઈન્સના ચીફ માર્કેટ એનાલિસ્ટ એવરેટ્ટ મિલમેને આ વર્ષના અંત સુધી સાન્તા ક્લોઝ રેલી જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.