નબળો રૂપિયો અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. ૮૩નો સુધારો ચાંદી રૂ. ૩૧૭ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટા અને તેની નાણનીતિ પર કેવી અસર થશે તેના પર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાની આયાત પડતરો વધવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૧૭નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૧૭ ઘટીને રૂ. ૭૪,૪૨૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૧૩૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૮૫ના મથાળે રહ્યા હતા.
ગત નવેમ્બર મહિનામાં બ્રિટન ખાતે નવેમ્બર મહિનાનો ફુગાવો બે કરતાં વધુ વર્ષની નીચી સપાટીએ રહ્યાના અહેવાલે ગઈકાલે વિશ્વ બજારમાં અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી અને ડૉલર ઈન્ડેક્સમાં ૦.૧ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે પણ ડૉલર અને યિલ્ડમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૫.૧૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૨૦૪૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હવે રોકાણકારોની નજર અમેરિકાના ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા, જોબ ડેટા અને નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે કેમ કે આ ડેટાના આધારે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત ક્યારથી કરશે તેનું તારણ નીકળશે, એમ વિશ્લેષકો જણાવે છે.