રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૯૬નો સુધારો, ચાંદી રૂ. ૨૨૪ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે આજે થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં ફેડરલ દ્વારા વ્યાજદર વધારો સ્થગિત થાય તેવા આશાવાદે ભાવ સાંકડી વધઘટે અથડાઈને સાત મહિનાની ઊંચી સપાટી આસપાસ જળવાઈ રહ્યા હતા અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૨૪નો સુધારો આવ્યો હતો, જ્યારે વૈશ્ર્વિક બજારમાં સોનામાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ વધુ કિલોદીઠ રૂ. ૨૨૪ વધીને રૂ. ૭૫,૯૨૪ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સોનામાં મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ એકંદરે પાંખી રહી હોવા છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત પડતરમાં વધારો થવાથી ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૪૭૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૭૨૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકામાં થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે અને ફેડરલ રિઝર્વ અપેક્ષા કરતાં વહેલા વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ સાંકડી વધઘટે અથડાઈને સાત મહિનાની ઊંચી ઔંસદીઠ ૨૦૪૪.૩૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને ડિસેમ્બર ડિલિવરીના વાયદામાં ભાવ સાધારણ ૦.૧ ટકા ઘટીને ૨૦૪૫.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાધારણ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૦૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા તેજી થાક ખાઈ રહી હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના ત્રીજા ત્રિમાસિકગાળાના જાહેર થયેલા જીડીપીનાં ડેટામાં આશ્ર્ચર્યજનક રીતે ૫.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હોવા છતાં ફેડરલ રિઝર્વના અધિકારીઓએ અપેક્ષા કરતાં વહેલા વ્યાજદરમાં કપાતના અણસારો આપ્યા હોવાથી સોનાના ભાવ પર તેની ખાસ અસર જોવા નહોતી મળી, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આવતીકાલનાં ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર પણ સ્થિર થઈ છે.