વેપાર

રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૩૦નો સુધારો, ચાંદી રૂ. ૬૩૩ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્વિક
વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોની તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આગળ વધ્યો હતો. વધુમાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે નવાં લ્યુનાર વર્ષની રજાઓ શરૂ થવાથી ચીનની માગનો અભાવ રહેતા કામકાજો પણ પાંખાં હતા. વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલીએ ભાવમાં કિલોદીઠ રૂ. ૬૩૩નો ચમકારો આવ્યો હતો. તેમ જ આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦નો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલો સાથે સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૩૩ વધીને રૂ. ૭૦,૫૮૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૯૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૬૪૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ હતો અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી છૂટીછવાઈ રહી હતી.

સોનાના વૈશ્વિક
અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે નવાં લ્યુનાર વર્ષની ઉજવણીનો આરંભ થતાં શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ તા. ૯થી ૧૬ ફેબ્રુઆરી સુધી સત્તાવાર ધોરણે બંધ રહેવાનું હોવાથી આજે લંડન ખાતે એકંદરે કામકાજો પાંખા રહેતાં સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૦૩૨.૭૦ ડૉલર અને ૨૦૪૭.૪૦ ડૉલર આસપાસ અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આવતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા, પરંતુ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ અને તેમાં પણ ખાસ કરીને ઈઝરાયલે હમાસનો શાંતિ પ્રસ્તાવ નકારી કાઢવાની સાથે ઈઝરાયલની સેનાએ સરહદી વિસ્તારમાં આવેલા રફાહ શહેર પર બોમ્બમારો કર્યો હોવાના અહેવાલે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતાં ભાવમાં ઘટાડો અટક્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. વધુમાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના બેરોજગારીના ડેટા પર સ્થિર હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button