વર્ષ 2024માં વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડાના આશાવાદે વૈશ્વિક સોનામાં મક્કમ વલણ
સ્થાનિક સોનામાં રૂ. ૯૦નો સુધારો, ચાંદી રૂ. ૫૧૫ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવે તેવા સંકેત આપતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં મક્કમ વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૦નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાની શક્યતાએ સોનાના ભાવમાં વિશ્વ બજારની તુલનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આ સિવાય ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૫૧૫ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૦ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૫૨૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૭૭૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૧૫ ઘટીને રૂ. ૭૧,૧૫૩ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બેઠકના અંતે ફુગાવાનો દર બે ટકાની લક્ષ્યાંકિત સપાટીએ આવે તેવો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે વ્યાજદરમાં કપાતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. જોકે, માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતનો સંકેત નહોતો આપ્યો, એમ રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક જીગર ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે વ્યાજદરમાં નોંધપાત્ર કપાતના આશાવાદે લંડન ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ઔંસદીઠ ભાવ ૦.૩ ટકા વધીને અનુક્રમે ૨૦૪૩.૮૦ ડૉલર અને ૨૦૫૫.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે એલએસઈજીની ઈન્ટરેસ્ટ રેટ પ્રોબેબિલિટી એપ્લિકેશન અનુસાર આઈઆરપીઆર અનુસાર અગાઉ વર્ષ ૨૦૨૩માં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની ૯૦ ટકા શક્યતા દર્શાવાઈ રહી હતી તેની સામે હવે ઘટીને ૩૫.૫ ટકા દર્શાવાઈ રહી છે, જ્યારે મે મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆતની શક્યતા ૯૬ ટકા દર્શાવાઈ રહી છે.