ડૉલર મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૭૪નો અને ચાંદીમાં ₹ ૧૩૩૨નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ સહિત અધિકારીઓની વ્યાજદર અંગેની સ્પષ્ટતાના અણસારો વચ્ચે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ૦.૫ ટકા ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં ૧.૬ ટકાનો ઘટાડો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૨થી ૪૭૪નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૨ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં સત્રના આરંભે ખાસ કરીને ચાંદીના ભાવ ૧.૬ ટકા જેટલા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિકમાં પણ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૨ ઘટીને રૂ. ૭૦,૭૦૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી અને ઘટતી બજારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૨ ઘટીને રૂ. ૬૦,૩૩૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭૪ ઘટીને રૂ. ૬૦,૫૭૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સહાય માટેના પ્રવેશ અથવા બંધકોની બહાર નીકળવાની સુવિધા માટે ગાઝાના યુદ્ધમાં નાના વિરામ પર વિચાર કરશે, એમ જણાવવાની સાથે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં યુદ્ધ વિરામને રદીયો આપતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ નબળી પડી હતી. વધુમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૪ ટકા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને બે સપ્તાહની નીચી ઔંસદીઠ ૧૯૬૭.૦૯ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૮ ટકા ઘટીને ૧૯૭૩.૫૦ ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૬૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવા બાબતે હળવું વલણ અપનાવે તેવો રોકાણકારોમાં આશાવાદ છે. જોકે, ફેડર બૅન્ક ઑફ મિનિયાપૉલિસનાં પ્રમુખ નીલ કશ્કરીએ ફુગાવો નિયંત્રણમાં રાખવાની દિશામાં વધુ કાર્ય કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આગામી બુધવાર અને ગુરુવારનાં ફેડરલ રિઝર્વ અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર સ્થિર થઈ હોવાને કારણે રોકાણકારોની સોનામાં લેવાલી મર્યાદિત રહી હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.