અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૪૭૨નો અને ચાંદીમાં ₹ ૧૫૭૧નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનાં સાવચેતીના અભિગમ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણને કારણે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૦થી ૪૭૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૫૭૧ના ઘટાડા સાથે રૂ. ૮૭,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા.
આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫૭૧ ઘટીને રૂ. ૮૬,૯૪૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૦ ઘટીને રૂ. ૭૦,૯૮૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭૨ ઘટીને રૂ. ૭૧,૨૬૭ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે સ્ટોકિસ્ટો અને રોકાણકારોનાં સાવચેતીના અભિગમને કારણે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૩૦૮ ડૉલર અને ૨૩૧૯.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં ગઈકાલે ફેડર ગવર્નર મિશેલ બૉમૅને ફુગાવો અંકુશ હેઠળ ન આવે ત્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર થોડો સમયગાળા સુધી યથાવત્ રાખે તેવી શક્યતા વ્યક્ત કરવાની સાથે જરૂર પડ્યે ધિરાણદરમાં વધારો પણ કરવામાં આવી શકે છે એમ જણાવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવ્યું હતું. જો ફુગાવામાં વૃદ્ધિ જોવા મળે તો સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, ફેડ ગવર્નર લિસા કૂકે વ્યાજદરમાં કપાતનો સમય થયો હોવાનું જણાવ્યું હતું. વધુમાં કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું કે ગત સપ્તાહની સોનાની ઊંચી સપાટી પાર કરવા માટે સોનાએ ઔંસદીઠ ૨૩૬૮ ડૉલરની સપાટી પાર કરવી જરૂરી છે.