અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૪૩ની અને ચાંદીમાં ₹ ૫૩ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાની અસર ફેડરલ રિઝર્વની આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠક પર પડે તેમ હોવાથી આજે રોકાણકારોનાં સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૩નો સાધારણ ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સાવચેતીના વલણ વચ્ચે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૩ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૮૫,૦૧૯ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીમાં નિરુત્સાહ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૬૭૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૯૫૮ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠક ૧૭-૧૮ સપ્ટેમ્બરમાં યોજાનાર છે જેમાં વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, વ્યાજદરમાં કેટલો કાપ મૂકવામાં આવશે તેનો આધાર આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટા પર અવલંબિત હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી હાજરમાં ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૫૨૦.૩૬ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૫૫૨.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, માસિક ધોરણે આ મહિનામાં અત્યાર સુધીમાં ભાવમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વ્યાજદરમાં કપાતની શક્યતા અને મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં મક્કમ આંતરપ્રવાહ રહ્યો હોવાનું વિંગ ફંગ પ્રીસિયસ મેટલનાં ડીલિંગ વિભાગના હેડ પીટર ફંગે જણાવતા ઉમેર્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૬૫૦ ડૉલરની સપાટી કુદાવશે અને મધ્યમથી લાંબા સમયગાળામાં ભાવ ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર અથવા તો ૩૦૦૦ ડૉલરની સપાટી પણ વટાવી જાય તો નવાઈ નહીં.
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૭ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૩૩ ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે. જોકે, રેટ કટની માત્રાનો આધાર આજે જાહેર થનારા ફુગાવા પર અવલંબિત રહેશે, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.