સોનામાં ₹ ૩૮૩નો અને ચાંદીમાં ₹ ૩૩૧નો ઘટાડો
ફેડરલ રિઝર્વ લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર જાળવે તેવી ભીતિ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકમાં બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યા હતા, પરંતુ બેઠકનાં અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે મિશ્ર નિર્દેશો આપ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની અંદર ઉતરી ગયા બાદ પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ પુન: ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની અંદર ઉતરી ગયા હતા. અને ચાંદીના ભાવમાં પણ એક ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગઈકાલની મહારાષ્ટ્ર દિનની જાહેર રજા બાદ આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૨થી ૩૮૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૩૩૧નો ઘટાડો આવ્યો હતો. તેમ જ કામકાજો પણ પાંખાં રહ્યા હતા. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહેવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૩૧ ઘટીને રૂ. ૮૦,૦૦૦ની સપાટીની અંદર રૂ. ૭૯,૭૧૯ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૨ ઘટીને રૂ. ૭૧,૦૪૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮૩ ઘટીને રૂ. ૭૧,૩૨૭ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ ફેડરલનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે ફુગાવો ફેડરલનાં બે ટકા લક્ષ્યાંક નજીક આવી રહ્યો હોવાથી વહેલાસર વ્યાજદરમાં કપાત અંગે અમને વિશ્ર્વાસ છે આથી વ્યાજદરમાં વધારો તો નહીં કરવામાં આવે. પૉવૅલનાં આ નિવેદનને ધ્યાનમાં લેતાં બજાર વર્તુળોમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી ધારણા મૂકાતા ન્યૂ યોર્ક ખાતે ગઈકાલે સોનાના ભાવ એક તબક્કે ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટીની અંદર ઉતરી ગયા હતા. જોકે, ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨૯૯.૧૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧૬ ટકા ઘટીને ૨૨૯૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.