વેપાર

સોનામાં ₹ ૨૨નો ઘસરકો, ચાંદી ₹ ૨૩૪ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે આજે થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં ફેડરલ દ્વારા વ્યાજદર વધારો સ્થગિત થાય તેવા આશાવાદે ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ઊંચા મથાળેથી માગ નિરસ રહેતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧થી ૨૨નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૪નો સુધારો આગળ ધપ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ વધુ કિલોદીઠ રૂ. ૨૩૪ વધીને રૂ. ૭૫,૯૩૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ એકંદરે પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧ ઘટીને રૂ. ૬૨,૩૫૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨ ઘટીને રૂ. ૬૨,૬૦૭ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકામાં થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે અને ફેડરલ રિઝર્વ અપેક્ષા કરતાં વહેલા વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદ વચ્ચે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૪૧.૧૯ ડૉલર આસપાસની અને ડિસેમ્બર ડિલિવરીના વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૦૪૧.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨.૮ ટકાનો સુધારો નોંધાયો છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button