Mumbai Gold Rate: સોનામાં 909 રુપિયા તૂટ્યા, જાણો કેટલો ભાવ છે, આજે?

મુુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને ઊંચા મથાળેથી માગ પણ નિરસ રહેતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 905થી 909નો ઘટાડો આવ્યો હતો અને ભાવ રૂ. 86,000ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 44ની સાધારણ નરમાઈ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 905 ઘટીને રૂ. 85,395 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 909 ઘટીને રૂ. 85,738ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 44ના સાધારણ ઘટાડા સાથે રૂ. 95,725ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ, મુંબઈ ઝવેરી બજારમાં આજના સોનાના ભાવ જાણો?
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની યુરોપથી થતી આયાત સામેના ટેરિફની અને કેનેડા તથા મેક્સિકો પરની ટેરિફ અંગેની અસ્પષ્ટતાઓ વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ 11 સપ્તાહની નીચી સપાટીએથી પાછો ફરવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 2897.91 ડૉલર અને વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 2909.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 31.77 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડ વધી આવતા આજે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવા છતાં મજબૂતીનો અન્ડરટોન યથાવત્ રહ્યો હોવાનું ટેસ્ટીલિવના ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવેકે જણાવ્યું હતું. જોકે, આજે અમેરિકી ફેડરલનાં ઘણાં અધિકારીઓના મંતવ્યો તેમ જ આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર રોકાણકારોની નજર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ
તાજેતરમાં રૉઈટર્સ દ્વારા અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરનાં ડેટા અંગે કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાન્યુઆરી મહિનાના ફુગાવામાં સ્થિર વલણ જોવા મળે તેવી ધારણા મૂકાઈ રહી હતી. જો ફુગાવામાં વધારો જોવા મળે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા ઈલ્યા સ્પિવેકે વ્યક્ત કરી હતી.
સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ વ્યાજદર ઊંચા હોવાથી સોનાની માગ પર માઠી અસર પડતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.