સોનામાં પાંચનો ઘસરકો, ચાંદી 160 વધી
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યા બાદ ફેડરલ રિઝર્વે હજુ વ્યાજદરમાં વધારો કરવાના અણસાર આપ્યા હોવાથી રોકાણકારોની માગનો ટેકો ન મળતાં સુધારો ધોવાઈ ગયો હતો અને ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી 0.3 ટકા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ આજે ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો ઓછો રહ્યો હતો અને સાધારણ 10 ગ્રામદીઠ રૂ. પાંચનો ઘસરકો આવ્યો હતો, જ્યારે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં કિલોદીઠ રૂ. 160 વધી આવ્યા હતા.
આજે વિશ્વ બજાર પાછળ .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 160 વધીને રૂ. 73,015ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે રોકાણકારો અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. પાંચના ઘસરકા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 58,892 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 59,129ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના સંકેતોને ધ્યાનમાં લેતાં રોકાણકારોની લેવાલીનો ટેકો ન મળતા હાજર અને વાયદામાં ભાવ અનુક્રમે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 1920.90 ડૉલર અને 1941.60 ડૉલરની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 23.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેડરલ રિઝર્વના આક્રમક નાણાનીતિના અણસારોની સાથે ગત શુક્રવારે સોનાના વૈશ્વિક અગ્રણી એક્સચેન્જ ટે્રડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ઘટીને જાન્યુઆરી, 2020 પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી 29 સપ્ટેમ્બરના રોજ જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્નઝ્મ્પશન એક્સ્પેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે.