વેપાર

સોનામાં ₹ ૫૫નો ઘસરકો, ચાંદી ₹ ૧૪૩ વધી

મુંબઈ: અમેરિકામાં એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલામાં વહેલા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતાં સોનામાં વૈશ્ર્વિક ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સોનાચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં ડૉલર સામે રૂપિયામાં ૧૫ પૈસાનો ઉછાળો આવતાં આયાત પડતરમાં ઘટાડો અને ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ રૂંધાઈ જતાં ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૩ વધી આવ્યા હતા. આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી લેવાલી અટકી હતી, જ્યારે ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૩ના ધીમા સુધારા સાથે રૂ. ૮૬,૩૭૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રૂપિયાની મજબૂતી અને વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૦૮૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૩૮૩ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ફેડરલનાં રેટકટના આશાવાદ વચ્ચે સોનામાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો અને હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩૮૭.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને ભાવ એક મહિનાની ટોચ આસપાસ પ્રવર્તી રહ્યા છે. વધુમાં આજે વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૩૮૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા બાદ આજે વધુ ૦.૫ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૯.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરનાં અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાતને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ અને રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું આઈજી માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડી એ ફેડરલ માટે સારા સંકેત હોવા છતાં હજુ નીતિ ઘડવૈયાઓએ વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે એની સ્પષ્ટતા નથી કરી, પરંતુ રોકાણકારો માને છે કે વર્ષ ૨૦૨૪માં રેટ કટની શરૂઆત થશે. સામાન્યપણે સોના અને ડૉલરનાં ભાવ વચ્ચે ઐતિહાસિક સંબંધ હોય છે. ડૉલર નબળો પડતાં સોનામાં સુધારો અને મજબૂત થતાં ઘટાડો જોવા મળતો હોય છે. આથી આગામી મહિનાઓમાં આ સંબંધો પુન: સ્થાપિત થતાં સોનાના ભાવમાં ઘટાડો આવે તેવી શક્યતા કોમનવેલ્થ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ એક નોટ્સમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker