સોનામાં ₹ ૯૮નો અને ચાંદીમાં ₹ ૨૪૨નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી બૉન્ડમાં વેચવાલીનું દબાણ હળવું થતાં આજે વૈશ્ર્વિક સોનામાં વર્ષ ૨૦૧૬ પછી સૌથી લાંબા આઠ સત્રના સતત ઘટાડાને બ્રેક લાગી હતી અને લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ૦.૧ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં પાંખાં કામકાજે ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭થી ૯૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૪૨નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૪૨ના ઘટાડા સાથે રૂ. ૬૭,૨૦૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જવેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ પ્રવર્તમાન શ્રાદ્ધ પક્ષને કારણે રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭ ઘટીને રૂ. ૫૬,૩૨૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૮ ઘટીને રૂ. ૫૬,૫૫૫ના મથાળે રહ્યા હતા. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અટકતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સતત આઠ સત્રના ઘટાડાને બ્રેક લાગી હતી અને ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૧૮૨૨.૧૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૧૮૩૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૮ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૧.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.