વેપાર અને વાણિજ્ય

સોનામાં ₹ ૭૩નો ઘસરકો, ચાંદી ₹ ૪૭૪ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલે ઈરાન પર વળતો હુમલો કર્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં વધારો થતાં હાજર ભાવમાં ૦.૪ ટકાનો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ ત્યાર બાદ ઈરાન પર કોઈ હુમલો થયો નથી અને તેની એર ડિફેન્સ સિસ્ટમમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલો વહેતા થતાં આરંભિક સુધારો ઘોવાઈ ગયો હતો અને ભાવ સાધારણ ૦.૧ ટકાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં સોનાની આયાત પડતરો ઘટવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૭૪નો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોથી વિપરીત સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી ઉપરાંત ઊંચી સપાટીએથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૪ ઘટીને રૂ. ૮૨,૮૫૩ના મથાળે રહ્યા હતા. જ્યારે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩ના ઘસરકાર સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૧૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૪૦૪ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં સોનામાં ફૂંકાયેલા એકતરફી તેજીના પવનને કારણે રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખી રહે છે. તેમ છતાં છેલ્લાં કેટલાક સમયથી જૂના સોનામાં રિસાઈકલિંગ અને નફારૂપી વેચવાલીનું પણ દબાણ જોવા મળી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ઈઝરાયલના ઈરાન પર હુમલાના અહેવાલો અને ત્યાર બાદ ઈરાનની ડિફેન્સ યંત્રણામાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૩૮૦.૬૮ ડૉલર અને ૨૩૯૬.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હોવાના અહેવાલો સાથે સોનામાં તેજી આગળ ધપી હતી, બજાર વર્તુળો હજુ વધુ અહેવાલોની રાહ જોઈ રહ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યાલે રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ સોનામાં ફેડરલની પૉલિસીનાં અણસારો પર નહીં, પરંતુ રાજકીય-ભૌગોલિક તણાવ અંગેનાં અહેવાલો પર વેપાર થઈ રહ્યા છે.

વધુમાં ટેસ્ટીલિવનાં ગ્લોબલ માઈક્રો વિભાગનાં હેડ સ્પિવેકે જણાવ્યું હતું કે તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ વધવાની સાથે ચીન તેની સોનાની અનામતમાં વધારો કરી રહ્યું હોવાથી તેજીને ટેકો મળી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…