ફેડરલના નિર્ણય પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૩૫૮ અને ચાંદી ₹ ૧૧૮૧ ઘટીને તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે સોનામાં એકતરફી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનું વલણ જાળવી રાખતા હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને વાયદામાં ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ ૧.૨ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ૧૦ પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૬થી ૩૫૮ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીએ ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૮૧ ઘટીને રૂ. ૭૧,૦૦૦ની સપાટીની અંદર ઉતર્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૨૦ ટકા જેટલું ગાબડું પડ્યું હોવાથી સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને વધુ ઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નબળી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૮૧ના ઘટાડા સાથે રૂ. ૭૦,૯૮૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૬ના ઘટાડા સાથે રૂ. ૬૦,૭૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૫૮ના ઘટાડા સાથે રૂ. ૬૧,૦૧૨ના મથાળે રહ્યા હતા.
ગત સાતમી ઑક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી સોનામાં સલામતી માટેની માગને ટેકે એકતરફી તેજીનું વલણ રહ્યું હતું. જોકે, ગઈકાલથી શરૂ થયેલી અને આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તેના પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ સોનાચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અખત્યાર કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૧૯૮૦.૮૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૧૯૮૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૧.૨૦ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૨.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈઝરાયલ-હમાસ વચ્ચેના વિવાદને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ પુન: ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી ફરી અંકે કરે તેવી શક્યતા નકારી ન શકાય, એમ ઓસીબીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને એફએક્સ સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે ઈઝરાયલ-હમાસના વિવાદને બાદ કરતાં સોનાના ભાવની વધઘટનો આધાર અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના નિર્ણય અને ટ્રેઝરીની યિલ્ડની વધઘટ પર અવલંબિત રહેશે.