સોનામાં ₹ ૧૩૬ અને ચાંદીમાં ₹ ૫૫૯નો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ તેની સામે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૫૯ ઘટી આવ્યા હતા. તેમ જ સોનામાં પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૬નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૫૯ના ઘટાડા સાથે રૂ. ૬૯,૩૪૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૬ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૮૮૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૧૩૫ના મથાળે રહ્યા હતા.
આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ગઈકાલના ૪.૩૧૫૦ ટકા સામે ઘટીને ૪.૨૮૫૫ ટકાની સપાટીએ ક્વૉટ રહી હતી, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૨૬.૭૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૦૩૫.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા અને આવતીકાલે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની બજાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરતાં એસીવાય સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક લ્યુકા સેન્ટોસે જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે જાન્યુઆરી મહિનાના અમેરિકાના ડ્યુરેબલ ગૂડ્સ ઓર્ડરમાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ફેબ્રુઆરી મહિનામાં અમેરિકી ક્ધઝ્યુમર કૉન્ફિડૅન્સ ઈન્ડેક્સમાં પણ ઘટાડો થયો હતો.