વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએથી પાછું ફરતાં સોનું રૂ. 541 ઘટીને રૂ. 86,000ની અંદર, ચાંદી રૂ. 945 તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ વધીને 2954.69 ડૉલરની સપાટીએથી પાછા ફર્યાં હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે રોકાણકારો નવી લેવાલીથી દૂર રહેતાં હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 539થી 541 ઘટી આવ્યા હતા અને ભાવ રૂ. 86,000ની સપાટી અને ચાંદીએ કિલોદીઠ રૂ. 945ના ઘટાડા સાથે રૂ. 97,000ની સપાટી ગૂમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 945 તૂટીને રૂ. 96,844ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ મર્યાદિત રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 539 ઘટીને રૂ. 85,635 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 541 ઘટીને રૂ. 85,979ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: FDમાં રોકાણ કરતા પહેલા જાણી લો 5 સૌથી મોટી બેંકોના વ્યાજ દરો; મળશે 8 ટકા સુધી વ્યાજ
ગઈકાલે સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 2954.69 ડૉલરની સપાટીએ પહોંચીને પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 2927.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં સતત આઠમાં સપ્તાહમાં આગેકૂચ જળવાઈ રહેતાં એક ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ 0.5 ટકા ઘટીને 2942.ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 32.79 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે હાલના તબક્કે સોનામાં અમેરિકાની વેપારની નીતિઓની અનિશ્ચિતતાને કારણે હેજરૂપી માગને ટેકે મજબૂત આંતરપ્રવાહ જોવા મળી રહ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલ ખરીદદારો ગંભીરપણે આૈંસદીઠ 3000 ડૉલરની સોનાના ભાવની સપાટી જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: આ વસ્તુઓ બનશે મોંઘી, પણ આ મોંઘવારી તમને નડશે નહીં, ફાયદો કરશે
આ સપ્તાહના આરંભે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે લાકડા સહિતની વનના અન્ય ઉત્પાદનો પર ટૂંક સમયમાં ટેરિફની જાહેરાત કરવામાં આવશે, એમ જણાવવાની સાથે તેઓ આયાતી કાર, સેમિક્નડક્ટર અને ફાર્માસ્યુટિકલ પર પણ ડ્યૂટી લાદવાની યોજના ધરાવે છે, એમ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે પૂર્વે હોદ્દો અખત્યાર કર્યો ત્યારે તેમણે ચીનથી આયાત થતી ચીજો પર અતિરિક્ત 10 ટકા ડ્યૂટી અને સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી.
આમ ટ્રમ્પની વેપાર અને વેરાની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં ગઈકાલે એટલાન્ટા ફેડ ગવર્નરે ફેડરલ રિઝર્વ આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં વ્યાજદરની ઊપજ ન આપતી સોના જેવી અસક્યામતોમાં રોકાણકારોની માગ નિરસ રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં સોનાની તેજીને વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.