રશિયા-યુક્રેન વચ્ચે શાંતિના આશાવાદે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 727નો અને ચાંદીમાં રૂ. 801નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાવાના આશાવાદ સાથે આજે લંડન ખાતે સોનામાં સત્રના આરંભે સલામતી માટેની માગ નિરસ રહેતાં હાજર અને વાયદામાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 724થી 727નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 11 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધી હોવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 801નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 801ના ઘટાડા સાથે રૂ. 94,954ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીમા નિરસતા અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 724 ઘટીને રૂ. 92,685 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 727 ઘટીને રૂ. 93,058ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ નિરસ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3214.17 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 3215.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 32.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
મૂડીઝ દ્વારા અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં કરવામાં આવેલા ઘટાડા પશ્ચાત્ આજે ડૉલર ઈન્ડેક્સમાં એક સપ્તાહની નીચી સપાટીએથી જોવા મળેલો ધીમો સુધારો તેમ જ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાવાનો આશાવાદ સપાટી પર આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન તાત્કાલિક ધોરણે શાંતિ માટે વાટાઘાટો કરશે.
આપણ વાંચો: કેન્દ્ર સરકારે આપી બ્રોકર્સને મોટી રાહત, વ્યવસાયની વ્યાખ્યા સ્પષ્ટ કરી
વઘુમાં તેમણે જણાવ્યું હતું કે હાલના તબક્કે જો સોનાના ભાવ આૈંસદીઠ 3200 ડૉલરની અંદર ઊતરે તો લેવાલી નીકળી શકે છે. તેમ છતાં અમારું માનવું છે કે જો રાજકીય-ભૌગોલિક તણાવમાં ઘટાડો થાય અને જોખમી પરિબળો ઓછા થાય તો સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી શકે છે. સામાન્યપણે રાજકીય-ભૌગોલિક અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે અને આવા કારણોસર જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બાવીસ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના દેવા અને વ્યાજમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં ક્રેડિટ રેટિંગ જે ટ્રીપલ એ હતું તે ઘટાડીને ડબલ એ કર્યું હતું. તેમ જ ફેડરલ રિઝર્વ પણ બજારમાં સ્થિરતાના અભાવ અથવા તો આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સાવચેતીનું વલણ અપનાવે છે. હાલમાં રોકાણકારોની નજર આજના મોડી સાંજના એક કરતાં વધુ ફેડરલના અધિકારીઓના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, બજાર વર્તુળોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વ્યાજદરમાં 54 બેસિસ પૉઈન્ટ સુધીનો ઘટાડો કરશે.