અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૭નો અને ચાંદીમાં ₹ ૧૭૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે થનારી અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનામાં ૧.૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૭નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬થી ૪૭નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામેે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭૭ના ઘટાડા સાથે રૂ. ૭૩,૭૧૧ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬ ઘટીને રૂ. ૬૨,૧૬૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭ ઘટીને રૂ. ૬૨,૪૧૫ના મથાળે રહ્યા હતા. જોકે, એકંદરે ભાવ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ સુસ્ત રહી હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં લગ્નસરાની મોસમ હોવા છતાં અપેક્ષિત માગમાં વસવસો જોવા મળી રહ્યો છે.
સામાન્યપણે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરના વધારા ઘટાડાના નિર્ણયમાં રોજગારીના ડેટાની મહત્ત્વની ભૂમિકા રહેતી હોવાથી આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા નવેમ્બર મહિનાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રાખતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ ૨૦૨૭.૩૯ ડૉલર અને ૨૦૪૩.૭૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૨ ટકાના સાધારણ ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નવેમ્બર મહિનાના રોજગારીના ડેટામાં ૧,૮૦,૦૦૦નો ઉમેરો થવાની ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા છે. જોકે તાજેતરમાં જાહેર થયેલા શ્રમ બજારના ડેટાને ધ્યાનમાં લેતાં વ્યાજદરમાં વધારાની શ્રમ બજાર પર માઠી અસર પડી હોવાનું જણાતા ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ નિર્માણ થયો હતો. વિશ્ર્લેષકોના મતાનુસાર લાંબાગાળે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેશે, જ્યારે ટૂંકા સમયગાળામાં સોનાના ભાવની રેન્જ ઔંસદીઠ ૨૦૦૫થી ૨૦૩૦ ડૉલર આસપાસની રહેવાની ધારણા મૂકાઈ રહી છે.