ડૉલર મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૭નો ઘસરકો, ચાંદીમાં ₹ ૫૦૨નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના પૅ રૉલ ડેટાની આગામી શુક્રવારે જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૦૨ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૦૨ના ઘટાડા સાથે રૂ. ૮૨,૨૭૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૨૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૪૯૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભમાં રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૫૦૪.૨૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૫૩૫.૯૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૩૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરના રોજ અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં તે પૂર્વે જાહેર થનારા ઑગસ્ટ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર વ્યાજદરમાં કપાતની માત્રા નિર્ધારિત હોવાથી રોકાણકારોના સાવચેતીના વલણને કારણે સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ સપાટી સુધી પહોંચી નથી શકતા, એમ ઓએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના ાવિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે જો આર્થિક ડેટા નબળા આવે તો વ્યાજદરમાં મોટી માત્રામાં કપાતની શક્યતા બળવત્તર બને તેમ છે. જોકે, આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૬૪૦ ડૉલર સુધી પહોંચવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
જોકે, રૉઈટર્સનાં અર્થશાસ્ત્રીઓનાં સર્વેક્ષણ અનુસાર ઑગસ્ટ મહિનામાં અમેરિકા ખાતે રોજગારોની સંખ્યામાં ૧,૬૫,૦૦૦નો ઉમેરો થવાની ધારણા મૂકાઈ રહી છે. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૯ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૩૧ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. વધુમાં રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઉના મતાનુસાર હાલમાં વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૨૪૭૩ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ૨૪૩૪ ડૉલર સુધી જઈ શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.