વેપાર

સોનામાં ₹ ૨૩નો અને ચાંદીમાં ₹ ૧૧૯નો ઘટાડો: અક્ષય તૃતીયાના સપરમા દહાડે માગ ખૂલવાનો આશાવાદ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાનાં અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ સાધારણ એક પૈસાની નરમાઈ રહી હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૯નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩નો સાધારણ ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૯ના ઘટાડા સાથે રૂ. ૮૧,૫૪૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૩૮૧ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૬૪૫ના મથાળે રહ્યા હતા. જોકે, આગામી ૧૦મી મેના રોજ સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા તહેવાર અક્ષય તૃતીયા અથવા તો અખાત્રીજનાં રોજ માગ ખૂલે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે મિનિયાપોલિસ ફેડનાં પ્રમુખ નીલ કશ્કરીએ વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા વ્યક્ત કરતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જનાં કૉમૅક્સ વિભાગ ખાતે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૧૪.૭૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩૯ ટકા વધીને ૨૩૨૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ગત સપ્તાહે અમેરિકાનાં જોબ ડેટા નબળા આવ્યા હોવાથી તેમ જ તે પહેલા એપ્રિલ મહિનાના ફુગાવમાં પણ વધારો થયો હોવાથી બજાર વર્તુળોમાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો, પરંતુ ગઈકાલનાં મિનિયાપોલિસ ફેડના પ્રમુખના નિવેદનને ધ્યાનમાંં લેતાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button