રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૧૪૩નો ઘટાડો, ચાંદી ₹ ૧૧૫ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતાં ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિનો અંત લાવે તેવી શક્યતા પ્રબળ થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૩નો ઘટાડો આવ્યો હતો, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ હતું તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૫નો સાધારણ ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૭૪,૨૬૮ના મથાળે રહ્યા હતા.
જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ તેમ જ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૩ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૮૯૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૧૪૪ના મથાળે રહ્યા હતા.
આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને અનુક્રમે ૨૦૨૨.૩૯ ડૉલર અને ૨૦૩૯.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે જાહેર થયેલા જોબ ડેટામાં રોજગાર વૃદ્ધિ ઘટીને અઢી મહિનાની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલને ધ્યાનમાં લેતાં વ્યાજદરમાં વધારાની રોજગાર પર માઠી અસર થઈ હોવાનું જણાતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ આવી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે નવેમ્બર મહિનાના જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં મોટી વધઘટ અટકી હોવાનું સિટી ઈન્ડેક્સનાં સિનિયર એનાલિસ્ટ મૅટ્ટ સિમ્પસને જણાવ્યું હતું.
રૉઈટર્સનાં ટૅક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૯ ડૉલરની ટેકાની સપાટી સાથે ૨૦૩૩થી ૨૦૩૯ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહેશે.