વેપાર અને વાણિજ્ય

અમેરિકામાં ફુગાવો વધતાં વહેલા રેટ કટની શક્યતા ધૂંધળી બનતા સોનામાં ઓસરતી તેજી

કોેમોડિટી -રમેશ ગોહિલ

ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવો બજારની ૨.૯ ટકાની અપેક્ષા સામે વધીને ૩.૧ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલો પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી માર્ચ મહિનાથી ઘટાડો કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનામાં તેજી ઓસરી જતાં ગત બુધવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૪ ટકા જેટલું ગાબડું પડી ગયું હતું.

જોકે, ત્યાર બાદ રિટેલ વેચાણ તથા બેરોજગારી ભથ્થાનાં ડેટાઓ નબળા આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ વધ્યા મથાળેથી પાછી ફરી હોવાથી તેમ જ મધ્યપૂર્વના દેશોનાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોનામાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો અને ભાવ જે ઘટીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર ઊતરી ગયા હતા તે પાછાં ફર્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૮ અથવા તો ૦.૮૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે, ભાવમાં વધુ ઘટાડાના આશાવાદ હેઠળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની એકંદરે માગ જળવાઈ રહી હતી.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત નવમી ફેબ્રુઆરીના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૩૦૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. ૬૨,૩૮૦ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૬૨,૩૯૪ અને નીચામાં રૂ. ૬૧,૪૫૪ સુધી ગબડી ગયા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૫૫૮ના ઘટાડા સાથે રૂ. ૬૧,૭૪૩ની સપાટીએ બંધ રહ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગત સપ્તાહે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતાં વધુ ભાવઘટાડાને ધ્યાનમાં લેતા રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાન રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ પ્રવર્તમાન લગ્નસરાની મોસમને ધ્યાનમાં લેતાં જ્વેલરી ઉત્પાદકોની માગ લેવાલી રહેતાં સ્થાનિકમાં સોનાના ભાવ પરના પ્રીમિયમ ચાર મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. એકંદરે ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવામાં અનપેક્ષિતપણે વધારો થવાથી ટ્રેડરોએ રેટ કટની શક્યતાઓની પુન: ફેર આકારણી કરતાં વૈશ્ર્વિક સોનાએ મહત્ત્વની ટેકાની સપાટી ગુમાવી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકાનાં રિટેલ વેચાણનાં તથા બેરોજગારીનાં ડેટા નબળા આવવાથી તેમ જ મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાને કારણે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં સોનાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અગાઉ ફેડરલ રિઝર્વ વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં ત્રણ વખત વ્યાજદરમાં મૂકે તેવી ધારણા મૂકાઈ રહી હતી, પરંતુ ગત સપ્તાહે ફેડરલ રિઝર્વ બૅન્ક ઑફ એટલાન્ટાનાં પ્રમુખ બૉસ્ટિકે વર્ષમાં બે વખત જ વ્યાજમાં કપાત થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવની વધઘટનો આધાર ડૉલર ઈન્ડેક્સની વધઘટ પર અવલંબિત રહેશે. જોકે, સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૫૦૦થી ૬૨,૫૦૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે સાધારણ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૦૧૨.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સતત બીજા સપ્તાહે ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે અંદાજે ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વાયદામાં ભાવ ૦.૫ ટકાના સુધારા સાથે ૨૦૨૪.૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ફુગાવામાં વૃદ્ધિ થવાની સાથે વ્યાજદરમાં કપાતની શક્યતા પાછળ ઠેલાઈ રહી હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે, એમ ગેઈનએસ્વિલે કોઈન્સનાં માર્કેટ એનાલિસ્ટ એવરેટ મિલમેને જણાવતાં ઉમેર્યું હતું કે હવે માર્ચ મહિનામાં રેટકટની શક્યતા ઓસરી જવાથી સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની ઉપરની સપાટી જાળવી રાખવા ઝઝુમી રહ્યા છે. એકંદરે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ સારી છે, પરંતુ વધતો ફુગાવો સોનાની તેજી માટે અવરોધક થઈ રહ્યો હોવાથી મારા મતે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૯૬૦ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા છે.
હાલના તબક્કે સોનામાં તેજી-મંદી માટેનું મુખ્ય પ્રેરકબળ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનો આશાવાદ છે અને જ્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેનો સ્પષ્ટ સંકેત નહીં આપે ત્યાં સુધી અથવા તો આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતા એવર બૅન્કના વર્લ્ડ માર્કેટના પ્રમુખ ક્રિસ ગેફિનીએ જણાવ્યું હતું.

વધુમાં ગઈકાલે ફેડરલનાં સુપરવિઝન વિભાગના ઉપાધ્યક્ષ માઈકલ બારે જણાવ્યું હતું કે બે ટકા ફુગાવાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો માર્ગ શક્યત: સરળ નથી, જ્યારે શિકાગો ફેડનાં પ્રમુખ ઑસ્ટિન ગુલ્સબીએ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ સામે ચેતવણી ઉચ્ચારી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?