નબળા રૂપિયે સોનામાં રૂ. ૧૨૧નો સુધારો, ચાંદી રૂ. ૧૨૩ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે રોકાણકારોમાં વ્યાજદર કપાતની શરૂઆતની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતાં લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩ ઘટીને રૂ. ૭૩,૪૬૫ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૭૭૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૦૨૩ના મથાળે રહ્યા હતા.
કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩નો અંત નજીક આવી રહ્યો છે અને રજાઓ પૂર્વેના માહોલમાં કામકાજો પાંખાં થઈ રહ્યા છે. આગામી શુક્રવારે અમેરિકાના નવેમ્બર મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશનના ડેટાની જાહેરાત થનારી છે અને ડેટા જાહેર થયા બાદ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારથી કપાતની શરૂઆત કરશે એના અણસારો આપે છે કે નહીં તેનાં પર રોકાણકારોની નજર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે પાંખાં કામકાજો વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ ૦.૧ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૨૫.૨૦ ડૉલર અને ૨૦૩૯.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૪ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૩.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે કડક નાણાનીતિના અંતનો અણસાર આપ્યો હતો આથી ટ્રેડરો હવે વ્યાજદરમાં કપાતનાં સંકેતોની રાહ જોઈ રહ્યા છે. જોકે, ફેડરલના અમુક અધિકારીઓએ વ્યાજદરમાં વહેલાસર કપાત કરવાની શક્યતા નકારી કાઢી હોવાથી રોકાણકારો અવઢવમાં મૂકાઈ ગયા હોવાનું વિશ્લેષકો જણાવે છે. જોકે, ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજમાં કપાત શરૂ કરે તેવી ૬૯ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.