સોનાની ચમક સહેજ વધી, ચાંદીએ ૭૪,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બુલિયન માર્કેટમાં બુધવારના સત્રમાં સામસામા રાહ જોવા મળ્યાં હતાં. સોનાની ચમકમાં સહેજ વધારો થયો હતો, જ્યારે ચાંદીની ચમક ઝાંખી પડી હતી. ચાંદીએ વેચવાલીના દબાણ વચ્ચે ૭૪,૦૦૦ની સપાટી ગુમાવી હતી.
સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૬૬,૭૧૬ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૬૬,૪૨૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્રને અંતે રૂ. ૧૧૮ના સુધારા સાથે રૂ. ૬૬,૮૩૪ની સપાટીએ સ્થિર થયો હતો.
એ જ રીતે, ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ રૂ. ૬૬,૪૪૯ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૬૬,૧૫૪ની નીચી સપાટીએ ખૂલ્યા બાદ, નવેસરની લેવાલીનો ટેકો મળતા સત્રને અંતે રૂ. ૧૧૭ના સુધારા સાથે રૂ. ૬૬,૫૬૬ની સપાટીએ સ્થિર થયો હતો.
આ સત્રમાં ચાંદીમાં ઓદ્યોગિક માગ અને સટ્ટાકીય લેવાલીનો અભાવ જોવા મળ્યો હતો. આઇબીજેએના ડેટા અનુસાર મુંબઇમાં .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૭૪,૨૭૯ પ્રતિ કિલો ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૭૩,૦૦૦ની સપાટી તોડીને રૂ. ૭૩,૮૦૧ની સપાટીએ ખૂલ્યા બાદ નીચા મથાળાથી સહેજ સુધારા છતાં સત્રને અંતે રૂ. ૨૮૨ના ઘટાડા સાથે રૂ. ૭૩,૯૯૭ની નીચી સપાટીએ સ્થિર થઇ હતી.