ફેડરલના નિર્ણય પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનું રૂ. ૪૭૪ ઘટીને રૂ. ૬૧,૦૦૦ની અંદર, ચાંદી રૂ. ૧૩૪૦ તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે સોનામાં એકતરફી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનું વલણ જાળવી રાખતા હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ૦.૨ ટકા અને ૦.૪ ટકા અને ચાંદીના ભાવ ૧.૫૦ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓનાભાવમાં ઘટાડો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૨થી ૪૭૪ ઘટીને રૂ. ૬૧,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીમાં રૂ. કિલોદીઠ રૂ. ૧૩૪૦નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. ૭૧,૦૦૦ની સપાટીની અંદર ઉતર્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૫૦ ટકા જેટલું ગાબડું પડ્યું હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને વધુ ઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નબળી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૪૦ના ઘટાડા સાથે રૂ. ૭૦,૮૨૫ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૨ના ઘટાડા સાથે રૂ. ૬૦,૬૫૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૮૯૬ના મથાળે રહ્યા હતા.
ગત સાતમી ઑક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી સોનામાં સલામતી માટેની માગને ટેકે એકતરફી તેજીનું વલણ રહ્યું હતું. જોકે, ગઈકાલથી શરૂ થયેલી અને આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તેના પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ સોનાચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અખત્યાર કરતાં ભાવમા વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી છે.
આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૭૮.૧૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૧૯૮૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૧.૫૦ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૨.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈઝરાયલ-હમાસ વચ્ચેના વિવાદને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ પુન: ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી ફરી અંકે કરે તેવી શક્યતા નકારી ન શકાય, એમ ઓસીબીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને એફએક્સ સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે ઈઝરાયલ-હમાસના વિવાદને બાદ કરતાં સોનાના ભાવની વધઘટનો આધાર અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના નિર્ણય અને ટ્રેઝરીની યિલ્ડની વધઘટ પર અવલંબિત રહેશે.