વેપાર

ફેડરલની છેલ્લની નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૨૨૬નો અને ચાંદીમાં ₹ ૪૦૮નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૩૧.૬૦ની ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચીને પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં સાવચેતીના અભિગમને કારણે પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૫થી ૨૨૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૦૮નો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૦૮ના ઘટાડા સાથે રૂ. ૮૪,૯૧૩ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૫ ઘટીને રૂ. ૭૧,૪૩૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૨૬ ઘટીને રૂ. ૭૧,૭૧૯ના મથાળે રહ્યા હતા.

આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકાના સાધારણે ઘટાડા સાથે ઔંસદીઠ ૨૫૧૦.૧૫ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ૨૫૪૮.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતનો આશાવાદ, મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિ તથા અમેરિકાની ચૂંટણી પૂર્વે અનિશ્ર્ચિતતાને કારણે સોનામાં સલામતી માટેની માગ તથા કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨૨ ટકાનો ઉછાળો આવી ગયો છે. એકંદરે શેષ વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવા પ્રબળ આશાવાદે સોનું ઝળકી રહ્યું હોવાનું ઓસીબીસી એફએક્સના સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલો ઘટાડો સોનાની તેજીને ઈંધણ પૂરું પાડી રહ્યો છે.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૦ ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. જોકે, હાલમાં રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આગામી શુક્રવારે જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પર સ્થિર થઈ છે. રોકાણકારોને આશા છે કે તેમના વક્તવ્યમાં વ્યાજદરમાં કેટલી કપાત કરવામાં આવશે તેનો દિશાનિર્દેશ આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button