દિવાળીના તહેવારોમાં સોનાની માગમાં વધારો, અપેક્ષાનુસાર વૉલ્યુમ ઓછું
આભૂષણોની તુલનામાં સોનાના સિક્કા અને લગડીના વેચાણમાં વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં દેશભરમાં સોનાની માગમાં સળવળાટ જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે સોના-ચાંદીના ભાવ ઊંચી વિક્રમ સપાટીએ રહ્યા હોવાથી ખરીદીની માત્રા અથવા તો વૉલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું છે.
તહેવારોની મોસમમાં રિટેલ ખરીદીમાં નિશંકપણે વધારો જોવા મળ્યો છે, પરંતુ ભાવસપાટી ઊંચી હોવાથી મોટાભાગની ખરીદી શુકનપુરતી રહી હોવાનું હૈદરાબાદ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ભારતમાં આ વર્ષે દિવાળીના ટાંકણે સોનાના ભાવ ગત સાલના સમાનગાળાની સરખામણીમાં ૩૩ ટકા જેટલા વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯,૦૦૦ની સપાટીની ઉપર પ્રવર્તી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજે દિવાળીની જાહેર રજાને કારણે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ રહ્યું હોવાથી ભાવની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ગઈકાલે સત્રના અંતે હાજરમાં વેરા રહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯,૨૩૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૯,૫૫૭ના મથાળે અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૯૬,૬૭૦ના મથાળે રહ્યા હતા.
નવી દિલ્હી સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે આ વર્ષે ઊંચા ભાવને કારણે ગ્રાહકો મેકિંગ ચાર્જનો ખર્ચ પણ ચુકવવા ન માગતા હોવાથી જ્વેલરીને બદલે સિક્કાઓ અને લગડી અર્થાત્ બારના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. એકંદરે આ સપ્તાહમાં ધનતેરસ અને દિવાળી જેવાં તહેવાર હોવાથી અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા સપ્તાહના આરંભે જ્વેલરી ઉત્પાદકોની પણ માગ સારી રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ એક ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, પરંતુ સપ્તાહના અંત આસપાસ ડીલરો ઔંસદીઠ ચાર ડૉલર ડિસ્કાઉન્ટમાં ભાવ ઓફર કરી રહ્યાના અહેવાલ હતા.
આ વર્ષે તહેવારોમાં વૉલ્યુમની દૃષ્ટિએ વેચાણ ગત સાલની સરખામણીમાં ઓછું છે, પરંતુ ભાવ સર્વોચ્ચ સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી મૂલ્યની દૃષ્ટિએ વેચાણમાં વધારો જોવા મળશે, એમ મુંબઈ સ્થિત એક બુલિયન ડીલરે જણાવ્યું હતું. ભારત સિવાય એશિયાના ઘણાં દેશોમાં દિવાળીના પર્વની ઉજવણી થતી હોય છે.
સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું કે ઘણાં લાંબા સમયગાળા પછી સપ્તાહ દરમિયાન ધનતેરસ અને દિવાળીના તહેવારોની માગ જોવા મળી છે અને સિંગાપોરમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૮૦ સેન્ટના ડિસ્કાઉન્ટથી ૨.૨૦ ડૉલરના પ્રીમિયમમાં ક્વૉટ થઈ રહ્યા છે.
અમેરિકાના રોજગારીના અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭૫૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ૨૭૬૫.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૯૦.૧૫ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ચાર ટકાનો વધારો થયો છે. હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૩૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
હાલમાં રોકાણકારોએ સોનામાં ઘટ્યા મથાળેથી ખરીદી કરવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ જણાય છે અને આ વ્યૂહ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી સુધી જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતા વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે જણાવ્યું હતું. જોકે, અમેરિકામાં રોજગાર વૃદ્ધિ મંદ પડી હોવાથી આગામી ૬-૭ નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા પ્રબળ થતાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો.