સોનામાં ₹ ૧૩૬નો ઘટાડો, ચાંદીમાં ₹ ૨૭૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અનિશ્ર્ચિતતા વચ્ચે આજે મોડી સાંજે અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોનાં સાવચેતીના અભિગમને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ખાસ કરીને સોનામાં રોકાણકારો સહિત સાર્વત્રિક સ્તરેથી નિરસ લેવાલી અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં આયાત પડતરમાં ઘટાડો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫થી ૧૩૬નો સાધારણ ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૭૦નો સુધારો આવ્યો હતો. આમ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૭૦ના બાઉન્સબૅક સાથે રૂ. ૮૦,૦૦૦ની લગોલગ રૂ. ૭૯,૯૮૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ જ આજે ડૉલર સામે રૂપિયામાં પણ ત્રણ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટતા હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫ ઘટીને રૂ. ૭૦,૯૦૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૬ ઘટીને રૂ. ૭૧,૧૯૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે મોડી સાંજે થનારી અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨૯૮.૨૭ ડૉલર અને વાયદામાં ભાવ સાધારણ ૦.૦૩ ટકા વધીને ૨૩૦૦ ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬.૪૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવાની શરૂઆત કરશે તેનાં કોઈ સ્પષ્ટ સંકેતો ન આપતાં હવે ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે તેવી ભીતિ સપાટી પર આવતાં ગત બુધવારથી વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ જોવા મળતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ભાવમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો છે. આમ ઊંચા વ્યાજદરનાં સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નિરસ રહેતી હોય છે. તેમ જ હાલના તબક્કે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ હળવો થયો હોવાથી સોનામાં સલામતી માટેની માગ પણ ઓસરી જતાં હાલ ભાવ દબાણ હેઠળ રહેતાં હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.