(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા અને વાયદામાં ધીમો ભાવઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યાના નિર્દેશોનો ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૨૭નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૮થી ૧૬૯નો ઘટાડો આવ્યો હતો.
જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચાવલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૨૭ના ઘટાડા સાથે રૂ. ૭૨,૯૨૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૮ ઘટીને રૂ. ૬૦,૭૫૭ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૬૯ ઘટીને રૂ. ૬૧,૦૦૧ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવા ગત સપ્તાહના અણસારોને ધ્યાનમાં લેતાં હવે રોકાણકારોની નજર સપ્તાહના અંત આસપાસ જાહેર થનારી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં વ્યાજદરમાં ક્યારથી અને કેટલી આક્રમકતાથી કપાતની શરૂઆત કરવામાં આવશે તેના અણસાર પર સ્થિર થઈ હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૭૬થી ૧૯૯૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા રૉઈટર્સનાં વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી.
આમ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૭૮.૮૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૧૯૮૧.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત શુક્રવારના રોજ વિશ્ર્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ૧.૪૯ ટકા વધીને ૮૮૩.૪૩ ટનની સપાટીએ રહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને