સોનું ₹ ૭૩,૦૦૦ નિકટ પહોંચ્યું, ચાંદીમાં નિરસ હવામાન
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હોવા છતાં સ્થાનિક બજારમાં ઝવેરીઓની લેવાલીના ટેકાએ સાનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે હાજર ચાંદીમાં નિરસ હવામાન રહ્યું હતું. દેશાવરોમાંથી પણ બુલિયન બજારમાં સુસ્ત માહોલ રહ્યો હોવાના અહેવાલ હતા.
સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું તેના રૂ. ૭૨,૬૬૪ના પાછલા બંધ ભાવ સામે સહેજ સુધારા સાથે રૂ. ૭૨,૭૧૩ની સપાટીએ ખૂલ્યા બાદ થોડો સુધારો ગુમાવીને અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૮ના સુધારા સાથે રૂ. ૭૨,૯૩૨ની સપાટીએ બંધ થયું હતું.
એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું તેના રૂ. ૭૨,૩૭૩ના પાછલા બંધ ભાવ સામે સહેજ સુધારા સાથે રૂ. ૭૨,૪૨૨ની સપાટીએ ખૂલ્યા બાદ થોડો સુધારો ગુમાવીને અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૭ના સુધારા સાથે રૂ. ૭૨,૬૪૦ની સપાટીએ બંધ થયું હતું. જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૯૧,૮૨૭ પ્રતિ કિલોના પાછલા બંધ સામે રૂ. ૯૧,૪૬૫ની નીચી સપાટીએ ખૂલી હતી. જોકે, પાછળથી ઓદ્યોગિક માગના ટેકે ઘટાડો પચાવીને સત્રને અંતે માત્ર કિલોએ આઠ રૂપિયાના સુધારા સાથે રૂ. ૯૧,૮૩૫ની સપાટીએ સ્થિર થઇ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ ઔંસ દીઠ ૩.૫૧ ડોલર ઘટીને ૨,૪૦૭.૯૨ ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઇ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદી પણ ઘટીને ૩૦.૬૯ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી હતી. વૈશ્ર્વિક સોનાના ભાવમાં તીવ્ર અસ્થિરતા જોવા મળી હતી પરંતુ ગયા અઠવાડિયે યુએસ ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઇ) ડેટા જાહેર થયા બાદ તે ૨,૪૦૦ ડોલરની સપાટીથી ઉપર રહેવામાંસફળ રહ્યું છે.
દેશાવરોમાં નવી દિલ્હીના સર્રાફા બજારમાં સોમવારે સોનાનો ભાવ રૂ. ૫૦ વધીને રૂ. ૭૫,૧૫૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાયો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર શનિવારે સોનાના ભાવ રૂ. ૭૫,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયા હતા. જોકે, ચાંદીના ભાવ રૂ. ૫૦૦ તૂટીને રૂ. ૯૪,૦૦૦ પ્રતિ કિલો બોલાયા હતા. પાછલા સત્રમાં ચાંદી રૂ. ૯૪,૫૦૦ પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થઇ હતી. બુલિયન ટ્રેડર્સ માને છે કે, અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી સંબંધિત હલચલ અને ભૌગોલિક રાજકીય તંગદિલીની સાથે બજારમાં અસ્થિરતામાં વધારો થઇ શકે છે. વધુમાં, બજાર સોમવારે યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના પ્રવચન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને રિએક્શન આપશે.
અંતે અમેરિકામાં રાજકીય અનિશ્ર્ચિતતામાં વધારો થવાને કારણે સોનું અને મોટાભાગની અન્ય કોમોડિટીઝ નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહી છે. આનું કારણ એ છે કે, વિશ્ર્વના મુખ્ય ચલણ સામે યુએસ ડોલર મજબૂત બની રહ્યો છે. અગ્રણી બુલિયન ડીલર્સ કહે છે કે, બુલિયનમાં ઘટાડો મર્યાદિત લાગે છે અને અમે આશા રાખીએ છીએ કે આવનારા સત્રોમાં કેટલીક સલામત માગમાં વધારો થશે. આ અઠવાડિયે બજારના સહભાગીઓ યુએસ રિટેલ સેલ્સ, ઔદ્યોગિક ઉત્પાદન અને કેટલાક હાઉસિંગ ડેટા જેવા મહત્વના ડેટા પોઈન્ટ્સ પર પણ નજર રાખશે. બુલિયન ઇન્વેસ્ટર્સ ફેડરલના વ્યાજદર મામલે સ્પષ્ટ સંકેતોની રાહ જોઈ રહ્યા હોવાથી કિંમતી ધાતુમાં કોન્સોલિડેશન જોવા મળ્યું છે. બીજી તરફ ડોલર મજબૂત થયો છે, જેની પાછળનું કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબારનો હુમલો થતાં તેમની જીતની પ્રબળ આશાઓ છે.