વેપાર

સોનું ₹ ૭૧૭ તૂટ્યું, ચાંદી ₹ ૧૭૫૧ ગગડીને ૮૯,૦૦૦ની અંદર

ડૉલર ઈન્ડેક્સની તેજીએ વૈશ્ર્વિક સોનાની તેજી ખોરવી

મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને બે સપ્તાહની નીચી સપાટી પર પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધુ ૦.૨ ટકા ઘટી આવ્યા હતા, ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧૩થી ૭૧૭ તૂટ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૫૧ ગગડીને રૂ. ૮૯,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઘટતી બજારના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭૫૧ના ગાબડાં સાથે રૂ. ૮૯,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૮૮,૬૬૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧૩ તૂટીને રૂ. ૭૪,૭૦૯ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧૭ તૂટીને રૂ. ૭૫,૦૦૯ના મથાળે રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાત સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ વધુ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૧૭.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૬૩૬.૨૦ ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ઔંસદીઠ ૩૦.૬૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button